કબીરવડ
ગુજરાતમાં નદી કિનારે આવેલું કબીરવડ – શુક્લતીર્થ એક રમણીય અને પવિત્ર સ્થળ છે.શુકલતીર્થ ભરૂચથી ૧૫ કિ. મી. નર્મદાને કાંઠે આવેલું સૌંદર્ય સ્થળ હોવાની સાથે તે એક પવિત્રમાં પવિત્ર યાત્રાનું સ્થળ પણ છે.૨.૫ એકરમાં ફેલાયેલું કબીરવડ એની વિશાળ અને ઘનઘોર ઘટાઓને કારણે ઘણું જ આકર્ષણ અને આહ્લાદક લાગે છે.
દંતકથા તો કહે છે કે કબીરવડ એ વડવાઈના દાતણની ચીર નાખી ને વડ વિસ્તર્યો. પણ મર્મનું સત્ય તો પારખી શકાય છે એ વિશાળ વડના અવશેષમાં. કેવો હશે એ જ્યારે ખંડિત નહીં હોય. જોયા વગર માત્ર વર્ણનથી તો તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ઘણા સાહિત્યકારોએ તેના વિશે ઘણું લખ્યું છે, તેમાંથી પ્રેરણા લઈને લખ્યું છે. નર્મદે લખ્યું છે, ‘ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમસે પા’ડ સરખો ! નદી વચ્ચે ઊભો નિર્ભયપણે એકસરખો !’
શુક્લતીર્થ પાસે આવેલો કબીરવડનો બેટ નદીની સપાટીથી થોડોક જ ઊંચો છે. ત્યાં ફરી બોટ દ્વારા જઈ શકાય છે. શુક્લતીર્થની બાજુમાં થોડે છેટે કાળીતીર્થ, ઓમકારેશ્વરતીર્થ, શુક્લતીર્થ એમ ત્રણ તીર્થો આવેલાં છે. તેમાં શુક્લતીર્થ પાપવિમોચન માટે પૃથ્વી પરનું પવિત્રમાં પવિત્ર સ્થળ મનાય છે. અણહિલવાડ પાટણના રાજા ચામુંડે તેના શેષ દિવસો અહીં પસાર કરેલા છે.
- Country – India
- State – Gujarat
- District – Bharuch